Description
““મુશ્કેલી અને પ્રતિકૂળતા એ સદગુણો અને સફળતાનો પાયો છે” – એક જાપાનીઝ કહેવત. આ કહેવતને હકીકતમાં યથાર્થ કરતી ઘટના મારા જીવનમાં જે ઘટી તે આપ સૌ સુજ્ઞ વાચકો સમક્ષ મૂકવા માટેનો મારો આ સન્નિષ્ઠ પ્રયાસ છે. તે માટે હું હર્ષની લાગણી અનુભવું છું.
હું સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, ત્યારે જેલમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસકેન્દ્રો દ્વારા ચાલતા જુદાં જુદાં અભ્યાસક્રમોમાં, જેલના તદ્દન પ્રતિકૂળ, અણગમતા અને નિષ્ક્રિય વાતાવરણમાં હું ૫૦ વર્ષની ઉમરે અભ્યાસ કરી રહ્યો હતો અને એક પછી એક ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું એક વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છું અને મેં અભ્યાસમાં જેલમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. મારો જેલનો અનુભવ જે બીજા બંદીવાનોથી ઘણો જ અલગ પડે છે. વળી મેં જેલમાં અભ્યાસમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. એ ઘટનાએ પણ મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી અને મારા આ અનુભવને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની મારી અગમ્ય ઇચ્છાને હું રોકી શક્યો નહીં. અંતે આ પ્રેરણાદાયી પુસ્તકનો જન્મ થયો.
જેલમાં હાંસલ કરેલી મારી આ સિદ્ધિ વિશેનું પુસ્તક લખવાનો વિચાર અને પ્રેરણા, હું જેલમુક્ત થયો પછી ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.), ગાંધીનગર ખાતે એક વર્કશોપમાં ભાગ લેવા ગયો હતો, ત્યાં એક દક્ષિણ ભારતના રાજ્યની જેલના વડા અને ગુજરાતની જેલોના તે સમયના વડા શ્રી પી. સી. ઠાકુરસાહેબે મને આપી. તેમણે કહ્યું કે, મારે મારી જેલમાં મેળવેલ શૈક્ષણિક સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખવું જોઈએ, જેથી જેલના બંદીવાનો, વિદ્યાર્થીઓ અને જીવનમાં સફળતા અને સિદ્ધિ મેળવવા ઉત્સુક વ્યક્તિઓને પ્રેરણા મળે.
આ વાતને આઠ વર્ષ વીતી ગયાં કારણ કે મારી પૂર્ણ સમયની નોકરી ચાલુ હોવાથી અને હું વધુને વધુ અભ્યાસક્રમો પૂરઝડપે પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો. અત્યારે હું નિવૃત્ત છું અને સંજોગોવસાત વિશ્વવ્યાપી કોરોનાનું લૉકડાઉન ચાલુ હોય મને શાંતિથી આ પુસ્તક લખવાનો મોકો મળી ગયો. હવે આ શુભેચ્છોકોની સલાહ મુજબ પુસ્તક લખવાનો મેં નિર્ણય કરી પ્રારંભ કર્યો. જેલમુક્ત થયા પછીના આઠ વર્ષમાં મેં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નોકરી કરતાં કરતાં મારા અભ્યાસનો સિલસિલો નિરંતર ચાલુ રાખીને બીજી વધારાની ૨૩ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી જે મારી જેલની સિદ્ધિની યાદીમાં ઉમેરતા આ આંકડો ૫૪ સુધી પહોંચ્યો છે.
બીજું, મારા સંપર્કમાં આવેલી અને મારી અભ્યાસની સિદ્ધિની હકીકતથી વાકેફ થયેલ અસંખ્ય વ્યક્તિઓ જીવનમાં ફરીથી અભ્યાસમાં જોડાયા અને જેઓનો અભ્યાસ ચાલુ હતો તેઓ તેઓના ચાલુ અભ્યાસની સાથે બીજા અભ્યાસક્રમમાં જોડાયા. વ્યક્તિઓની આટલી બધી ઉત્સુકતા અને ઉમંગ જોઈ મને પણ આ મારી સિદ્ધિની જાણ વધારેમાં વધારે લોકોને થાય તે માટે આ પુસ્તક લખવાનું અનિવાર્ય લાગ્યું.
આ પુસ્તક લખવાનું અને તમારી સમક્ષ મૂકવાનો મુખ્ય હેતુ એ છે કે, આ પુસ્તક દ્વારા વાચકોને પ્રેરણા, નવું જોમ અને જુસ્સો મળે અને જીવનમાં ગમે તેવા કપરા, સંકટભર્યા, પ્રતિકૂળ સંજોગોમાં અને સમયમાં પણ પોતાના ધ્યેય કે લક્ષ્યને સિદ્ધ કરવા પ્રોત્સાહન મળે. તે માટે દીવાદાંડી બનવાની ઇચ્છા જ આ પુસ્તકની ફળશ્રુતિ છે.
-ભાનુ પટેલ
“મુશ્કેલીઓ ઘણીવાર સામાન્ય માણસને અસામાન્ય પ્રાપ્તિ માટે તૈયાર કરે છે.”
– સી. એસ. લ્યુઇસ”
About The Author
“તમે જેલના અતિ પ્રતિકૂળ વાતાવરણમાં શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વરેકોર્ડ વિશે સાંભળ્યું અથવા વાંચ્યું છે ? કદાચ તમારો જવાબ ‘ના’માં હશે. મારે એ સ્વીકારવું જ જોઈએ કે, હું ભાગયશાળી હતો કે જેલમાં અને જેલની બહાર આવી સિદ્ધિ હું હાંસલ કરી શક્યો. હું મારી સિદ્ધિ કે જે જેલમાં શિક્ષણના ક્ષેત્રમાં એક વિશ્વરેકોર્ડ બની ગઈ તેનાં તમામ પાસાંઓ અને રહસ્યોને તમારી સાથે વહેંચવા માટે ખૂબ જ ઉત્સુક છું.
“”પ્રતિકૂળતા કેટલાક માણસોને તોડી નાખે છે; તો કેટલાક પ્રતિકૂળતામાં રેકોર્ડ તોડે છે” આ ઉક્તિ પ્રખ્યાત મેક્સિમ લેખક ‘વિલિયમ આર્થર વાર્ડ’ની છે જે મારી સિદ્ધિ દ્વારા યોગ્ય સાબિત થઈ છે; કારણકે, મેં આ સિદ્ધિ અતિપ્રતિકૂળ અને ઉદાસીન એવાં જેલના વાતાવરણમાં પ્રાપ્ત કરી છે. લક્ષ્ય ખૂબ અઘરું અને મુશ્કેલ હતું; કારણ કે, શિક્ષણ અને જેલ પ્રકૃતિમાં ખૂબ વિરોધાભાસી અને અસંગત છે. સામાન્ય રીતે, જેલના વાતાવરણમાં અભ્યાસ કરવો ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં તરવા જેવું છે.
જેલનું વાતાવરણ કેવું હોઈ શકે ? તેનો પણ મેં ઘટસ્ફોટ અહીં કર્યો છે. બહારથી ફક્ત તેના વિશે અનુમાન કે ધારણા લગાવી શકાય છે. જેલમાં મોટાભાગના બંદીવાનો નકારાત્મક પરિબળો જેવાં કે ચિંતા, હતાશા, ભય, નિરાશા, ક્રોધ, બદલાની ભાવના વગેરેથી પીડાતા હોય છે. કેટલીકવાર તેઓ માનસિક સ્થિરતા અને માનસિક સંતુલન ગુમાવતા હોય છે. જેલવાસ બંદીવાનના જીવનને જેલમાં અને જેલમાંથી છૂટકારો થયા બાદ જેલની બહાર પણ મુશ્કેલ બનાવે છે. આ પ્રકારના જેલના નકારાત્મક વાતાવરણમાં અભ્યાસ જેવી ઉમદા અને પવિત્ર પ્રવૃત્તિ કરવી કે જેમાં મનની વિશિષ્ટ ભૂમિકા હોય છે એના માટે માનસિક શાંતિ, માનસિક સંતુલન અને આસપાસ હકારાત્મક વાતાવરણનું વર્તુળ રચવું ઘણું અઘરું કાર્ય છે. પચાસ વર્ષની ઉંમરે, મેં જેલના પ્રતિકૂળ અને નકારાત્મક વાતાવરણ વચ્ચે જીવનમાં ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
મારા અભ્યાસનું સ્થળ (જેલ) અને મારી ઉંમર (૫૦ )બંને અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે મેળ ખાતી ન હોવા છતાં, મેં જેલના આ પ્રતિકૂળ વાતાવરણમાં ૩૧ શૈક્ષણિક અભ્યાસક્રમો પૂર્ણ કર્યા, સાથે સાથે જેલમાં આવેલા અભ્યાસકેન્દ્રોનું સંચાલન કરવાની ફરજ બજાવી અને શિક્ષણમાં એક વિશ્વવિક્રમ સ્થાપ્યો. આ મારી અદ્વિતીય, અજોડ સિદ્ધિ અને મેં તે કેવી રીતે હાંસલ કરી, તે વિશેનો મારો અનહદ આનંદ, સંતોષ અને રહસ્યને તમારી સાથે વહેંચવાની ઉત્કૃષ્ટ ઇચ્છા સાથે આ પુસ્તક લખ્યું છે. જેલમાંથી મુક્ત થયા પછી મેં, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ સમયની નોકરીની સાથે મારો અભ્યાસ ચાલુ રાખ્યો અને બીજા ૨૩ શૈક્ષણિક અભ્યાસક્રમો પૂર્ણ કરી મારા કુલ શૈક્ષણિક અભ્યાસક્રમોનો આંક ૫૪ સુધી લઈ જવામાં સફળ રહ્યો. મેં આ બધા અભ્યાસક્રમો સારા ગ્રેડ સાથે અને ફક્ત ૧૨ વર્ષમાં પૂર્ણ કર્યા. બંદીવાન બનવું એ નિયતિ છે; પરંતુ, બંદીવાન બની શિક્ષણમાં વિશ્વરેકોર્ડ સ્થાપિત કરવો એ દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિથી પોતાના વ્યક્તિત્વને ઘડવાની ક્ષમતાનો પરિચય છે.
હકીકતમાં, આ પુસ્તક મારા જેલના અનુભવ પર અને મારા જેલ જીવન પર આધારિત છે. મારા જેલના અનુભવમાં, શિક્ષણ કેન્દ્ર સ્થાને રહ્યું. મારા વાચકોને મેં આ અજોડ ઉપલબ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી તે જણાવતો સંદેશ પહોંચાડવા માટે આ પુસ્તકનું માધ્યમ પસંદ કર્યું છે. મને આશા છે કે, મારા જીવનમાં બનેલ આ ઘટનાનું બયાન તમને પ્રેરણારૂપ સાબિત થશે અને તમને ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે સંજોગોમાં પણ તમારી અજોડ, અકલ્પનીય સિદ્ધિઓને પ્રાપ્ત કરવા અને જીવનના ઉચ્ચ શિખરો સર કરવા જોમ અને જુસ્સા સાથે પ્રોત્સાહિત કરશે.
શુભેચ્છા સહ,
ભાનુ પટેલ
“”જેલ મુશ્કેલીઓને સફળતામાં ફેરવવાની પ્રયોગશાળા છે.””
– ભાનુ પટેલ”
ASHISH –
જેલના તદ્દન પ્રતિકૂળ વાતાવરણમાં અકલ્પનીય અને અનન્ય શૈક્ષણિક સિદ્ધિની વાસ્તવિક હૃદયસ્પર્શી જીવન સ્ટોરી અને જેલમાં કેદીઓના જીવન અને તેઓની રોજિંદી દિનચર્યાનું આબેહૂબ ચિત્રણ, બધાં માટે ખૂબ પ્રેરણાદાયક અને પ્રોત્સાહક. અદ્ભૂત અને અકલ્પનીય!!!!! – આશિષ પટેલ
MAHESH JADAV –
જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ, ચડતી – પડતી સાથેની પુસ્તકમાં વર્ણવેલ જીવન કથા પરથી શીખવા જેવો બોધપાઠ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિ અથવા સંજોગોમાં જીવનના કેવી રીતે સફળ થવું અને ધારેલા લક્ષ્યને કેવી રીતે પૂર્ણ કરવું. સફળતાના રહસ્યનો સરસ રીતે ઘટસ્ફોટ કરવા આવ્યો છે.- મહેશ જાદવ
advocatemaheshjadav –
જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ, ચડતી – પડતી સાથેની પુસ્તકમાં વર્ણવેલ જીવન કથા પરથી શીખવા જેવો બોધપાઠ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિ અથવા સંજોગોમાં જીવનના કેવી રીતે સફળ થવું અને ધારેલા લક્ષ્યને કેવી રીતે પૂર્ણ કરવું. સફળતાના રહસ્યનો સરસ રીતે ઘટસ્ફોટ કરવા આવ્યો છે.- મહેશ જાદવ